મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ) : લોકસભાની ચૂંટણીઓનું રણશીન્ગુ ફૂંકાતા ની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિવિધ લોકસભા ની સીટો પર ઉમેદવારોની પસંદગી કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી મનોમંથન કરી અને ની યાદી એ હાઇકમાન્ડને મોકલી દેવાઇ છે ત્યારે હોળીના દિવસે સાંજે અથવા ધુળેટીના દિવસે ગુજરાતમાં કઈ સીટ ઉપર થી કયા ઉમેદવારને ચૂંટણી લડાવવામાં આવશે તેની જાહેરાત થઈ શકે છે એવું દિલ્હીના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ માટે 26 સીટો જીતવી મુશ્કેલ છે તેવું ખુદ ભાજપના કેટલાક નેતાઓ અંદરખાને સ્વીકારી રહ્યા છે. કારણ કે ગુજરાતની જનતા રૂપાણી સરકાર થી સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી. રૂપાણી સરકારમાં મોદીનું ગુજરાત મોડલ અનેકવાર બદનામ થયું છે. એટલું જ નહીં રૂપાણી સરકારમાં પોતાના હક માટે સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકોને લાઠીઓ ખાવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતની મોટાભાગની જનતા એવું ઈચ્છી રહી છે કે ગુજરાતમાંથી મુખ્યમંત્રી તરીકે રૂપાણીને દૂર કરી કોઈ સક્ષમ અને કુશળ વહીવટકર્તા ને મુકવામાં આવે. પરંતુ જ્યારે ગુજરાતીઓને પૂછવામાં આવે કે કેન્દ્રમાં કોની સરકાર જોઈએ છે? ત્યારે મહત્તમ લોકોનો મત એ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર જ હોવી જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ બનવા જોઈએ.
મોટાભાગના યુવા ચહેરાઓનો મત એક જ રહ્યો છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં દેશને એક અલગ પ્રકારની મજબૂતાઈ પ્રાપ્ત થઈ છે. સમગ્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી થઇ છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદ સામે લડવામાં મોદી સરકાર સક્ષમ પુરવાર થઇ છે, કારણકે મોદી સરકારે જે સર્જીકલ સ્ટ્રાઈક કરી તેને જોતા એવું લાગે છે કે જો આગામી સમયમાં પણ નરેન્દ્ર મોદીને દેશનું સુકાન સોપવામાં આવશે તો કદાચ મોદીજી પાકિસ્તાનના આતંકીઓનો સફાયો કરવામાં કોઈપણ પ્રકારની કચાશ છોડશે નહીં. યુવાનો નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ જ ખુશ હોવાનું જણાય છે.
મોદી સરકારે દેશના ખેડૂતો માટે પણ તાજેતરમાં જે કદમ ઉઠાવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેટલાંક લોકો એવું પણ કહે છે કે કોંગ્રેસના શાસનમાં પણ ખેડૂતો માટે યોજનાઓ હતી પણ એ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચી હોય એવું બહુ ઓછું જાણવા મળે છે. જ્યારે મોદીજીએ ખેડૂતોના બેંક ખાતામાં યોજનાનો સીધો જ લાભ આપીને પુરવાર કર્યું છે કે કેન્દ્રમાંથી નીકળેલો એક રૂપિયો એ સીધો લાભાર્થીને પ્રાપ્ત થાય છે. અર્થાત મોદી સરકાર માં સરકારી યોજનાઓમાં લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળે છે. કોઈપણ પ્રકારની કટકી થઈ શકતી નથી.
તો વળી કેટલાક લોકો જણાવે છે કે મોદી સરકારે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. કારણકે આજે મોટી મોટી બીમારીઓ નો ઉપચાર કરાવવો એ મધ્યમ અને સામાન્ય વર્ગના લોકો માટે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ મોદી સરકારની આરોગ્યલક્ષી યોજનાને કારણે હવે સામાન્યમાં સામાન્ય અને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કોઇ પણ મોટી બીમારી નો ઈલાજ સરળતાથી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના કરાવી શકે છે. જે કદાચ આ યોજના લાગુ કરનાર નરેન્દ્ર મોદી દુનિયાના પ્રથમ વડાપ્રધાન હશે એવો જનમત છે.
સૌ કોઈ જાણે છે કે નરેન્દ્ર મોદી એક કુશળ વહીવટકર્તા છે. નોટબંધી અને GST નો અનેક વિરોધ થવા છતાં પણ આમ જનતા એ આ બંને ને સ્વીકાર્યાં છે.એમાંય ખાસ કરીને યુવા વર્ગ તો એવું જ માને છે કે નોટ બંધી અને GST એ લાંબા ગાળે દેશની આર્થિક ઇકોનોમીને મજબૂત બનાવશે. યુવાઓના મત પ્રમાણે ભારતને 2022 સુધીમાં ‘સુપર પાવર’ બનાવવા નું નેતૃત્વ માત્રને માત્ર નરેન્દ્ર મોદીમાં જ હોવાનું મનાઈ રહ્યુ છે. ત્યારે 2019 ની લોકસભાની ચૂંટણીમાં એકવાર પુનઃ મોદી જો સત્તા ઉપર આવશે તો હજુ પણ રાષ્ટ્રના કલ્યાણ માટે મોટા નિર્ણયો લઈ શકે છે અને રાષ્ટ્રમાં હજુ પણ જે લોકોમાં ગરીબી અને અમીરી વચ્ચેની અસમાનતા છે તેને દૂર કરવા નરેન્દ્ર મોદી એક મોટું કદમ ઉઠાવશે એવો ગુજરાતના યુવા વર્ગને વિશ્વાસ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વિશ્વાસ મત માં કેટલો પરિવર્તિત થઈ શકે છે !!!