પરેશ ધાનાણીનો ઘટસ્ફોટ : ભાજપના 22 જેટલા ધારાસભ્યો રૂપાણી સરકારથી નારાજ

0
1779

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : પાંચ રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામોને લઇને મોદી અને અમિત શાહની સૌથી મોટી હાર સામે આવી છે. પરિણામો પહેલા ભાજપ દ્વારા જીતના મસ મોટા દાવા કરાતા હતા પરંતુ ઇવીએમ મશીનમાં થયેલી આ મત ગણતરીઓ ખુલતાની સાથે જ ભાજપના દાવા બિલકુલ પોકળ સાબિત થયા હતા. અને એકવાર ફરી સાબિત થઈ ગયું હતું કે પીએમ મોદીની લહેર ધીમેધીમે ઘટી રહી છે તો બીજી બાજુ અમિત શાહની ચાણક્ય નીતિ હવે નિષ્ફળ જઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. કારણ કે ત્રણે હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસને બહુમતી મળી છે અને કોંગ્રેસ સરકાર બનાવી રહી છે.

ત્યારે આ ત્રણે હિન્દીભાષી રાજ્યોમાં ભાજપની હાર કેવી રીતે થઈ ? શા માટે થઈ તેને લઈને ભાજપ મનોમંથન કરી રહ્યું છે તો બીજી બાજુ જે ગુજરાત મોડેલ ને લઈને નરેન્દ્ર મોદી દિલ્હી સુધી ગયા હતા એ ગુજરાતમાં ભાજપની કથળેલી રહેલી સ્થિતિ એ પણ આ ત્રણેય રાજ્યોના મતદારો ઉપર ક્યાંક ને ક્યાંક અસર પહોંચાડી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. એમાંય ખાસ કરીને ગુજરાતમાં બનેલી પરપ્રાંતીઓ પર હુમલાની ઘટના એ આ રાજ્યોમાં પણ તેના પડઘા પડ્યા હોવાનું અનુમાન છે.

તો બીજી બાજુ પરિણામ જાહેર થતાની સાથે જ ગુજરાત ભાજપના મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલે ભાજપ સરકાર સામે બળવો પોકાર્યો હતો અને ભાજપની હાર માટે નેતાઓના અભિમાનને કારણભૂત ગણાવ્યુ હતું. ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીએ મોર્નિંગ ન્યુઝ ફોક્સ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે રૂપાણી સરકારનું ભવિષ્ય હવે 2019 સુધી અલ્પ કાલીન છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, હાલમાં ભાજપના 22 જેટલા ધારાસભ્યો નારાજ છે. કારણ કે વર્ષોથી ભાજપમાં તનતોડ મહેનત કરનારા ધારાસભ્યોને ખાતુ ફાળવવાને બદલે કોંગ્રેસમાંથી તોડફોડ કરી અને ભાજપમાં સામેલ કરાયેલ વ્યક્તિને રાતોરાત કેબિનેટ મંત્રી બનાવી દેવાય ત્યારે ધારાસભ્યોની નારાજગી હોવી એ સ્વાભાવિક છે. આ રીતે ધાનાણી એ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગમે ત્યારે ગુજરાતમાં રૂપાણી સરકાર તૂટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here