ગુજરાતના બે મહિલા સાંસદોની ટિકિટ કપાશે તો તેમનાં સ્થાને કોણ હશે નવા ચહેરા ? જાણો

0
684

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : લોકસભા ની ચૂંટણીઓના પડઘમ શરૂ થયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે ભાજપ દ્વારા આજથી ગુજરાતમાં સેન્સ લેવાની શરૂઆત કરાશે. જેમાં હાલના ભાજપના 26 સાંસદોમાંથી ૧૬ જેટલા સાંસદોની ટિકિટ કપાઈ જશે એવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ વખતે જે સાંસદો સતત નિષ્ક્રિય રહ્યા છે વિવાદાસ્પદ રહ્યા છે તેમને ટિકિટ કપાવાનું તો નિશ્ચિત હોવાનું મનાય છે.

આ વખતે ભાજપ દ્વારા ગુજરાતની મહિલા સાંસદો જેઓ નિષ્ક્રિય અથવા વિવાદાસ્પદ રહ્યા છે તેમની ટિકિટ કપાવાનું નિશ્ચિત છે ત્યારે ખાસ કરીને મહેસાણાનાં સાંસદ જયશ્રીબેન પટેલ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ ના માથે લટકતી રાજકીય તલવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મહેસાણામાં જયશ્રીબેન પટેલ એક નિષ્ક્રિય સાંસદ હોવાનું મનાય છે. તેમજ તેમની ગ્રાન્ટ પણ યોગ્ય રીતે ન વપરાઇ હોવાનો કિસ્સો બહાર આવેલો છે. કહેવાય છે કે ગ્રાન્ટ વાપર્યા વિના જ તક્તિઓ લગાવી હતી જેની જાણ ખુદ સાંસદને કરાઇ હતી.

ત્યારબાદ જો કે સાંસદે તો હાથ ઊંચા જ કરી નાખ્યા હતા. પરંતુ ગાંધીનગર સુધીની રજૂઆતોને લઈને છેવટે એ ગ્રાન્ટ માંથી સી.સી રોડ બનાવવો પડ્યો હતો.જોકે આ ઘટના ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામમાં બની હતી. જ્યાં ભારતીય જનસેવા મંચ દ્વારા સાંસદ ની ગ્રાન્ટ વપરાયા વિના જ તકતી લગાવી હોવાની મૌખિક ફરિયાદ ગાંધીનગર સુધી કરાઈ  હતી. ત્યારબાદ જ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું અને સાંસદ પણ આ બાબતે સક્રિય બની ગયાં હતાં. આ ઉપરાંત સાંસદ જયશ્રીબેન જનસંપર્ક માં પણ નિષ્ક્રિય રહી હોવાનું મનાય છે.

તો બીજીબાજુ સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પણ પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ જ નિષ્ક્રિય રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  આ વિસ્તારમાં લોકોનો મત લેતા એવું જાણવા મળ્યું હતું કે દર્શનાબેન જરદોશ પણ લોકસંપર્કમાં ખુબ જ નિષ્ક્રિય રહ્યા હોવાનું મનાય છે. વળી સમય અગાઉ જેસીબી ચલાવવા મુદ્દે તેઓ વિવાદ મા પણ આવ્યા હતાં. તેમ જ પ્રધાનમંત્રીની જેટલી પણ યોજનાઓ હોય એ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આ બન્ને મહિલા સાંસદો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. જેને લઇ પ્રધાનમંત્રી મોદી પણ નારાજ હોવાનું મનાય છે. ત્યારે 2019માં આ મહિલા સાંસદો ની ટિકિટ કપાય તો નવાઈ નહિ !!!

બીજીબાજુ મહેસાણા લોકસભા સીટ પર આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ પૂર્વ ધારાસભ્ય ડો. આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવશે તેમ ગાંધીનગરના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ડોક્ટર આશાબેન એક સક્રિય કાર્યકર રહ્યા છે, તેમજ તેઓ શિક્ષિત નેતા છે. અને જનતા સાથે સીધા સંપર્કમાં હોવાને કારણે આજે પણ આ વિસ્તારના લોકોમાં તે લોકપ્રિય બની રહ્યા છે. એટલું જ નહીં પોતાના વિસ્તારના વિકાસના કામો મંજુર કરાવવા માટે અથવા તો અધૂરા કામો ને પૂર્ણ કરવા માટે તેમને સતત તત્પરતા દાખવી છે. વળી પાટીદારો માં પણ આશાબેન લોકપ્રિય , હોશિયાર અને શિક્ષિત નેતા તરીકે ઊપસી આવ્યા છે. જો મહેસાણા સીટ પર આશાબેન ને ટિકિટ અપાય તો તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

બીજી બાજુ સુરત લોકસભા માટે શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા નું નામ ખૂબ જ ચર્ચામાં છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી નું નામ પણ આ સીટ માટે ચર્ચામાં છે. જોકે નિતીનભાઇ ભજીયા વાલા એ એક સક્રિય, નિર્વિવાદ ભાજપના કાર્યકર હંમેશને માટે રહ્યા છે. પ્રધાનમંત્રીની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં તેમજ શહેરની સમસ્યાઓને ઉકેલવામાં અને જરૂરી સુવિધાઓ પૂરી કરવામાં તેમ જ સંગઠનના ધારાસભ્યો અને કાર્યકરો સાથે સંકલન સાધવામાં ખૂબ જ સફળ નેતા તરીકે નીતિનભાઈ ભજીયાવાલા ઊપસી આવ્યા છે. વળી નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવી રહ્યા છે. ત્યારે નીતિનભાઈ ભજીયાવાલા ને સુરત લોકસભાની સીટ પર ટિકિટ અપાશે એવી અટકળો તેજ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here