રાહુલજી જન આક્રોશ રેલીને બદલે કૉંગ્રેસ કાર્યકરોના આક્રોશને શાંત કરો નહીતો લોકસભા પહેલાં જ કૉંગ્રેસ તૂટશે

0
62

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (સુના સો ચુના) : આજે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ ના ધરમપુર થી લોકસભાની ચૂંટણીનો ઝંઝાવાત શરૂ કરવાના છે. ધરમપુર ખાતે યોજાનાર રેલીને જન આક્રોશ રેલી નામ આપવામાં આવ્યું છે. જેમાં એવું પ્રતીત કરાવવા નો પ્રયત્ન કરાશે કે લોકોમાં મોદી સરકાર પ્રત્યે ક્યાંક ને ક્યાંક આક્રોશ છે, પણ બીજી હકીકત એવી પણ છે કે ગુજરાત કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરોમાં જ કોંગ્રેસ સંગઠન પ્રત્યે આક્રોશ ભભૂકી રહ્યો છે. જેને લઇને મહેસાણા અને ઊંઝામાં તાલુકા પંચાયતમાં બળવો થયો ત્યારે રાહુલ ગાંધીએ જન આક્રોશ રેલી કરતા પહેલા કોંગ્રેસમાં કાર્યકરોમાં રહેલા આક્રોશને ઠંડો પાડવાની વધારે જરૂર છે.

જન આક્રોશ રેલી યોજવા જઈ રહેલ રાહુલ ગાંધીને શું એ વાતની ખબર જ નથી કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સારુ પર્ફોમન્સ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો હવે કોંગ્રેસ છોડીને શા માટે ભાજપનો ખેસ ધારણ કરવા લાગ્યા છે? એટલું જ નહીં પરંતુ ગુજરાતની સ્થાનિક સંસ્થાઓમાં પણ શા માટે કોંગ્રેસના જ કાર્યકરો કોંગ્રેસના નેતાઓ સામે બળવો કરી રહ્યા છે? જન આક્રોશ રેલી યોજતા પહેલા રાહુલ ગાંધીએ કાર્યકરોના આક્રોશને સમજવાની જરૂર છે. જો કાર્યકરોના આક્રોશને રાહુલ સમજવામાં નિષ્ફળ જશે તો કદાચ જન આક્રોશ રેલી થી કોંગ્રેસને કોઈ જ ફાયદો થશે નહીં.

થોડાક સમય પહેલા જ મહેસાણા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોંગ્રેસ સંગઠન થી નારાજ થઈને કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.એ પહેલા મહેસાણાના પૂર્વ સાંસદ એવા જીવાભાઇ પટેલ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. હજુ પણ કોંગ્રેસના કેટલાક નેતાઓમાં સંગઠનને લઈને નારાજગી છે, જે ગમે તે ઘડીએ બહાર આવે તો કદાચ લોકસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ નબળું પડી જશે. આમ સતત થઈ રહેલા ડેમેજને પૂરવા માટે રાહુલ એ કોંગ્રેસના ધારાસભ્યો કાર્યકરો ની વાત ની સાંભળીને હજુ પણ સંગઠનમાં જરૂરી ફેરફારો કરવાની જરૂર છે. જો રાહુલજી કાર્યકરોની અને નેતાઓની નારાજગી ને નહી સમજી શકે તો કદાચ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી આક્રોશ બહાર આવી શકે છે જેનું ગુજરાતમાં કોંગ્રેસને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ હતી. પાટીદાર વિસ્તારોમાં કોંગ્રેસ ને પાટીદારોએ ખોબલે ખોબલે વોટ આપીને મજબૂત બનાવી છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ મજબૂત બની છે. પરંતુ કોંગ્રેસને મજબૂત બનાવ્યા બાદ પણ ગુજરાતના કોંગ્રેસ સંગઠનમાં તાલમેલ ન હોવાને કારણે સત્તા ટકાવી રાખવામાં કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. જેનો આક્રોશ સ્થાનિક કાર્યકરો અને સ્થાનિક નેતાઓ તેમજ ધારાસભ્યોમાં છુપી રીતે જોવા મળી રહ્યો છે. જો હાઈકમાન્ડ દ્વારા આક્રોશને સમયસર શાંત નહીં કરાય તો કદાચ આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માં હાથમાં આવેલી સત્તા પણ કોંગ્રેસને ગુમાવવાનો વારો આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here