કૉંગ્રેસ MLA ડો.આશાબેન પટેલનો ખુલ્લો પત્ર : રૂપાણી સાહેબ અધિકારીઓ નહીં પણ આપની સરકાર જ ભ્રષ્ટ છે

0
5616

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તાજેતરમાં પ્રવાસન ક્ષેત્રે થયેલ ભ્રષ્ટાચાર નો ઓડિયો વાયરલ થતા રૂપાણી સરકારના પારદર્શક વહીવટની પોલ ખુલ્લી પડી ગઇ હતી. એટલું જ નહીં બીજી બાજુ ખુદ મુખ્યમંત્રી રૂપાણી એ જાહેરમાં કબૂલ્યું હતું કે સરકારના મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગ ભ્રષ્ટાચાર ને લઈ સૌથી વધારે બદનામ થાય છે.  ત્યારે બીજી બાજુ પ્રવાસન ક્ષેત્રે થયેલા ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે મુખ્યમંત્રી રૂપાણીને એક ખુલ્લો પત્ર લખીને સરકારની આકરી ટીકા કરતા કહ્યું છે કે અધિકારીઓ નહિ પણ આપની સરકાર જ ભ્રષ્ટ છે.

ઊંઝા કૉંગ્રેસ ના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ખુલ્લો પત્ર…….

વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી,
ગુજરાત રાજય,
ગાંધીનગર.

આદરણીય રૂપાણી સાહેબ આપના દ્વારા અવાર-નવાર આપના ભાષણમાં પારદર્શક વહીવટની વાતો કરવામાં આવે છે પરંતુ આપની કથની અને કરણીમાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. તાજેતરમાં વાયરલ થયેલા ઓડિયો દ્વારા આપના પારદર્શક વહીવટ ની પોલ ખુલી ગઈ છે. આપની જ સરકારમાં કામ કરતા ઉચ્ચ કક્ષાના અધિકારી જ્યારે એમ કહેતા હોય કે પ્રવાસન ક્ષેત્રે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેમાં પટાવાળાથી માંડીને મંત્રીઓ સુધીના લોકો સામેલ છે, ત્યારે આપ એમ કહો છો કે આપની સરકાર પારદર્શક વહીવટ કરે છે. આપની સરકારનો જ પારદર્શક વહીવટ હોય ને તો આપના શાસનમાં જે કાંડ થયા છે એનો આજ દિન સુધી એક પણ કાંડનો રિપોર્ટ કેમ આવ્યો નથી? એક પણ જવાબદાર ને સજા કેમ થઈ નથી?

સાહેબ થાય પણ કેવી રીતે કારણ કે આ તમામ કાંડમાં ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે આપના જ મંત્રીઓ આપના જ નેતાઓ સામેલ છે. પણ સાહેબ જ્યારે પણ આપના ઉપર સંકટ આવે છે આપની ખુરશી ના પાયા ડગમગવા લાગે છે ત્યારે આપ તમામ દોષનો ટોપલો કોંગ્રેસ પર નાખીને સલામત બની જાઓ છો. કોંગ્રેસ ક્યારેય આપના જેવી ભ્રષ્ટ રાજનીતિ કરવાથી પ્રેરાયેલો નથી. સાહેબ કોંગ્રેસે લોકશાહીને જીવંત રાખી છે.આપની સરકાર પાસેથી તાનાશાહી સિવાય ગુજરાતની જનતાને બીજુ કાંઇ મળ્યું નથી. સાહેબ આપના શાસનમાં ખેડૂતો, પાટીદારો, મહિલાઓ, બેરોજગારો પર લાઠીઓ નો વરસાદ થયો છે વરસાદ…!!! અને તો પણ તમે કહો છો કે અમારી સરકાર સંવેદનશીલ છે સાહેબ આવા ભાષાના અલંકારને આપ બદનામ કરી રહ્યા છો. આપ અને આપની સરકાર લાજવાને બદલે ગાજે છે.

સાહેબ ભ્રષ્ટાચારની સામે તપાસ કરવાની આપની દાનત જ નથી અને એટલા માટે તમારી સરકાર સામે ખુલીને બોલનાર અને ભ્રષ્ટાચારને બહાર પાડનાર અધિકારીને તમે સસ્પેન્ડ કરીને સાબિત કરી દીધું છે કે આપના શાસનમાં ‘ ચોર કોટવાળને દંડે ‘ એવી તો રાજનીતિ છે. અધિકારીઓ નહીં આપની સરકાર જ ભ્રષ્ટ છે. શરમ કરો સાહેબ કરો આપના શાસનમાં આપના બનાવેલા જ કાયદાઓ જનતાને પરેશાન કરી મૂકી છે. આપના દારૂબંધીના કાયદાથી ગુજરાતમાં જે માસુમોના જીવ ગયા છે… શું આ છે આપનો દારૂબંધીનો કાયદો? આપના પ્રશાસનમાં કરોડો રૂપિયાનું મગફળીકાંડ થયું છે. આપના સંવેદનહીન શાસનમાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી રહી છે. આપના અપારદર્શક વહીવટમાં આપના જ નેતાઓ કરોડો રૂપિયા કમાઈ ને પ્રામાણિકતાના દાવા ઠોકી રહ્યા છે ત્યારે સાહેબ આપની સરકાર પર હસવું કે રડવું એ ગુજરાતની ભલી ભોળી જનતાને પણ સમજાતું નથી? ગુજરાતની જનતાએ 2017 માં જ આપને જાકારો આપી દીધો છે પણ આપ અને આપનો પક્ષ દેશમાં તોડજોડ ની રાજનીતિથી આજે શાસન કરી રહ્યા છો એ ગુજરાત માટે દુર્ભાગ્યની વાત છે .

આશાબેન પટેલ
ધારાસભ્ય શ્રી,
ઊંઝા.
પ્રવક્તા(ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here